Tuesday, December 25, 2012

છોગાળા હવે તો છોડો ...

એક હતો હાથી, ધમધમ એનું નામ. એક હતો સસલો. સની એનું નામ.
એક વાર બંને વચ્ચે ઝઘડો થઈ ગયો. સસલાને મનમાં થયું કે હાથીને મજા ચખાડી દઉં.
હાથી રોજ સસલાના ઘર પાસે થઈને નદીએ પાણી પીવા જાય. સસલાએ રસ્તા વચ્ચે ગાળિયો નાખી હાથીનો પગ બાંધવાનો વિચાર કર્યો. સસલીનેય વાત કરી. જંગલમાં દોરડું ક્યાંથી મળે? એટલે વેલા તોડી લાવી, વણીને દોરડું બનાવ્યું. એનો ગાળિયો બનાવ્યો ને પછી એનો એક છેડો બાવળના થડે બાંધ્યોપણ સસલાને વિશ્વાસ ન બેઠો એટલે ત્યાંથી છોડી થોરના થડે બાંધ્યો. તોય એનું મન ન માન્યું. છેવટે પોતાના પગે બાંધ્યો.
થોડી વારે હાથી આવ્યો. એનો પગ ગાળિયામાં પડયો ને ગાળિયો તેના પગે ફિટ આવી ગયો. એ જોઈ સસલો-સસલી રાજી થયાં. પણ આ શુંસસલાભાઈ પાછળ તણાવા લાગ્યા. આ જોઈ સસલી ગભરાઈને કહે, "છોગાળા છોડી દો, જવા દો બિચ્ચારાને...!"
સસલો માંડ માંડ બોલ્યો, "છોગાળા તો છોડે છે, પણ સૂંઢાળા ક્યાં છોડે છે?" ને સસલો તણાવા લાગ્યો. હાથીએ પાછળ નજર કરી. તેણે સનીને પાછળ ઘસડાતો જોયો. તેનેય મજા પડી. ભલે તણાતો. ફરીથી મારું નામ લેવાની ખો ભૂલી જશે.
આગળ મસ્તીમાં ચાલતો હાથી ને પાછળ અધમૂઆ જેવો ગબડતો સસલો! તેની પાછળ બૂમો પાડતાં જતાં સસલીબાઈ. કોઈ મારા સસલાને છોડાવો.
આગળ જતાં કૂતરો મળ્યો, "કુત્તાભૈ, મદદ કરો. તમારા ભાઈને છોડાવો." કૂતરો કહે, "એ કામ મારું નહીં." ને કૂતરો તો ચાલતો થયો.
આગળ જતાં શિયાળ મળ્યું. સસલી કહે, "શિયાળ, મારા ભઈલા, તારા બનેવીને મદદ કર."
શિયાળ કહે, "ઊંહું... બેની લડાઈમાં હું કદી વચ્ચે માથું મારતો જ નથી ને..!" ને હીહી હસતું હસતું શિયાળ જતું રહ્યું.
આગળ જતાં નોળિયો મળ્યો. રડતાં રડતાં સસલી કહે, "નોળિયાભૈ, તમારા ભૈબંધને ઉગારો તો..."
નોળિયાએ સસલાને ને હાથીને જતાં જોયાં. તે કહે, "ભાભી, ચિંતા ના કરો. આ દાંત ભગવાને શીદ આપ્યા છે?"
ને ઝડપથી નોળિયો હાથીને સસલા વચ્ચે પહોંચી ગયો. કટ...કટ...કટ...ને વેલો કપાઈ ગયો. સસલાભાઈ છૂટા થયા. એમના જીવમાં જીવ આવ્યો.
નોળિયાએ પૂછયું, "આવું કેમ કરતાં થયું?"
સસલીએ માંડીને બધી વાત કરી. પછી કહે, "હાથીને એક વાર મજા તો ચખાડવી પડશે હોં નોળિયાભૈ. એ મોટો એટલે શું થઈ ગયું? અમારા જેવા નબળા ને નાના જીવની આવી મજાક કરવાની?"
નોળિયો કહે, "ભાભી, ચિંતા ના કરો. હું કાંક ઉપાય વિચારું છું."
તે દિવસે તો સૌ છૂટા પડયાં. થોડા દિવસ સસલાને આરામ કરવો પડયો. હવે તે સાજો થઈ ગયો હતો. તે નોળિયાના ઘરે ગયો. કહે, "નોળિયાભાઈ, ઉપાય જડયો?"
નોળિયો ને સસલો બહાર નીકળ્યા. પહેલા તેઓ મગર પાસે ગયા. નોળિયો કહે, "મગરભૈ, એક કામ ના કરો? હાથી પાણી પીવા આવે ત્યારે તમે એનો પગ ના ખેંચો?"
મગર ઠાવકાઈથી કહે, "ના ભૈ, મારે શીદ હાથી જોડે વેર બાંધવું?"
બંને ભાઈબંધ આગળ ગયા. એક ઝાડ પર અજગર આરામથી વીંટળાઈને પડયો હતો. નોળિયો બોલ્યો, "અજગરભૈ, હાથીને મજા ચખાડોને? એ આ સસલાને હેરાન કરે છે."
અજગર કહે, "તમારા ઝઘડામાં હું શીદ વચ્ચે પડું? ના, ભૈ, ના."
બંને જણ આગળ વધ્યા. આગળ એક ખાબોચિયું આવ્યું. તેમાં ઊગેલાં છોડનાં પાન પર એક મચ્છરભાઈ બેઠા હતા. નોળિયાએ મચ્છરને બધી વાત કરી ને પછી કહે, "મચ્છરભૈ, તમારા જેવા નાના જીવોને એ હાથીડો હેરાન કરે એ કંઈ ચાલે?"
મચ્છર ગુન ગુન કરી કહે, "ના ચાલે...ગુનગુન..."
નોળિયો કહે, "તો તમે હાથીને મજ્જા ચખાડશો?"
મચ્છરે હા પાડી. સસલાને થયું કે ક્યાં પહાડ જેવડો હાથી ને ક્યાં નખ જેવડો મચ્છર! જે હાથીને હું કશું ના કરી શક્યો એને મચ્છર શું મજા ચખાડશે?
ત્રણ જણ નીકળ્યા હાથીની શોધમાં. હાથી વડના છાંયડે ઊભો હતો. મચ્છર કહે, "તમે અહીં જ ઊભા રહો. હું એકલો જાઉં છું."
ને મચ્છર ગુન ગુન કરતો ઊડયો. તે સીધો હાથીના કાનમાં ઘૂસી ગયો ને ચટકા ભરવા લાગ્યો. હાથી ચીસો પાડી કહેવા લાગ્યો, "અલ્યા મચ્છર, બહાર નીકળ તને જે જોઇતું હોય તે આપું..." પણ મચ્છર માનેતે વધારે ચટકા ભરવા લાગ્યો. હાથી અકળાઈ ગયો. આ જોઈ સસલો રાજી થયો.
નોળિયો આગળ આવી કહે, "હાથીભૈ, જ્યાં સુધી તમે સસલાની માફી નહીં માંગો ત્યાં સુધી મચ્છર હેરાન કરશે."
હાથી સમય પારખી ગયો. તેણે સની સસલાની માફી માગી. "સોરીસનીભાઈ, હવે હું તમને કદી હેરાન નહીં કરું."
નોળિયાએ બૂમ પાડી કહ્યું, "મચ્છરભાઈ, બહાર આવો. કામ પતી ગયું."
ને મચ્છરભાઈ આવી ગયા બહાર.
પછી હાથીએ સૂંઢ લંબાવી સની સાથે શેકહેન્ડ કર્યા. 
 

No comments:

Post a Comment