Sunday, July 1, 2012

લાલચમાં ફસાયેલું શિયાળ


એક શિયાળ જંગલમાં આખો દિવસ ખોરાકની શોધમાં આમતેમ ભટક્યા કરતું હતું. પૂરતો ખોરાક ન મળવાને કારણે તેનું શરીર દૂબળું પડી ગયું હતું. એક દિવસ ખોરાકની શોધમાં શિયાળ એક મોટા ઝાડ પાસેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેને ઝાડના થડની બખોલમાં માંસનો જથ્થો દેખાયો. કોઈક રાની પશુએ શિકારને મારીને માંસનો જથ્થો આ બખોલમાં નિરાંતે ખાવા માટે રાખ્યો હશે, પણ પછી ભયને કારણે એ પશુ નાસી ગયું હશે. શિયાળને તો મજા પડી ગઈ. આમ તો એને માંડ માંડ ખોરાક મળતો હતો, પણ આજે તો માંસનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. બખોલનું દ્વાર સાંકડું હતું પણ શિયાળ દુબળું હતું એટલે તેને એની અંદર પ્રવેશવામાં ખાસ કોઈ મુશ્કેલી ન નડી. એ તો બખોલમાં પ્રવેશીને આરામથી માંસ આરોગવા લાગ્યું. માંસ તાજું હતું અને વળી મોટો જથ્થો હતો એટલે શિયાળ ઘણા દિવસ સુધી ભરપેટ ખાઈને બખોલમાં જ પડી રહ્યું. થોડા દિવસ પછી માંસ પૂરું થયું એટલે શિયાળે બખોલ બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, પણ સતત માંસ ખાઈને શિયાળ તગડું થઈ ગયું હતું. તેના પેટનો ભાગ બખોલમાંથી બહાર નીકળી શક્યો નહીં. શિયાળ બખોલમાં બરાબરનું, અડધું બહાર અને અડધું અંદર અટવાઈ ગયું.
બખોલના દ્વારમાં ફસાયેલા શિયાળને બીજા એક શિયાળે જોયું. તે શિયાળે ફસાયેલા શિયાળ પાસે આવીને ફસાયાનું કારણ પૂછયું. બખોલમાં અટવાયેલા શિયાળે તેને આખી વાત કરી. પેલા શિયાળે કટાક્ષમાં કહ્યું કે હવે તું થોડા દિવસ આમ જ ફસાયેલું રહીશ એટલે પહેલાંની માફક થોડું દૂબળું થઈ જઈશ. ત્યાર બાદ બહાર નીકળજે. હિંસક પ્રાણીથી બચીને રહેજે નહિતર તારું આવી બનશે. આટલું કહીને પેલું શિયાળ તો ત્યાંથી ચાલ્યું ગયું. ફસાયેલા શિયાળે જેટલા દિવસ પેટ ભરીને ખૂબ માંસ ખાધું હતું, એ જ રીતે તેને વળી બીજા એટલા દિવસ ભૂખ્યાપેટે રહેવું પડયું. એ પહેલાં જેવું દૂબળું થયું પછી જ બખોલમાંથી બહાર નીકળી શક્યું. 
બોધ : વધારે મેળવવાની કોશિશમાં ઘણી વાર અતિરેક થઈ જાય છે. વિચાર્યા વગરના નિર્ણયો અમુક વખતમુશ્કેલીમાં મૂકી દે છે.