Thursday, November 29, 2012

બાળગીત......

કેરી એકા કેરી.
કેરી દુ દાડમ.
કેરી તરી તરબૂચ.
કેરી ચોક ચીકું.
કેરી પંચા પપૈયું.
કેરી છક સ્ટ્રોબેરી.
કેરી સત્તા સીતાફળ.
કેરી અઠ્ઠા અનાનસ.
કેરી નવા નાસપાતી.
કેરી દાન કેળું.

માતા......

માતા એટલે.........
વાત્સલ્યની વીરડી, મમતાની મૂતિઁ, પ્રેરણાની પરબ, 
અવનિનું અમૃત, સૃષ્ટિની સંજીવની, પ્રેમની પ્રતિમા, 
સ્નેહની સરિતા, સંસ્કારની સિંચક, 
થાકેલાનો વિસામો, શાંતિનું તીથઁ.

રોમે રોમે હેત ભર્યુ, જેના વેણે વેણે વરદાન,
ઘેર ઘેર એ જ બિરાજે, મા રૂપે ભગવાન....

Friday, November 9, 2012

ઉંદરડી પર આફત

જૂના જમાનામાં વારાણસીમાં રાજા બ્રહ્મદત્ત રાજ્ય કરતો હતો. એ વેળા બોધિસત્વે સલાટોના કુળમાં જન્મ લીધો હતો. સલાટ એટલે શિલા કાપનાર અથવા પથ્થર કાપનાર. બોધિસત્વ મોટા થઈને શિલા કાપનાર જ નહિ, સારા મૂર્તિકાર પણ બન્યા. હવે, વારાણસીના એક કસ્બામાં એક ખૂબ ધનવાન શેઠ રહેતો હતો. એની હવેલીમાં દાટેલો ખજાનો જ ચાળીસ કરોડ સોનામહોરનો હતો. પણ એ પરિવાર પર એકાએક આફત ઊતરી. પરિવારનાં સૌ મરણ પામ્યાં. બીજાં બધાંનો તો દૂર દૂર જન્મ થયો, પણ શેઠાણીનો જીવ ખજાનામાં ચોંટી રહ્યો. એ પછી તો આ કસ્બો જ નાશ પામ્યો અને એની ઉપર ધૂળ ફરી વળી. પણ શેઠાણીનો જીવ અહીં ભટકતો રહ્યો. આખરે એ એક ઉંદરડી તરીકે જન્મી. એણે તો અહીં ઊંડાં દર કર્યાં. પોતાનો ચાળીસ કરોડોનો ખજાનો હતો ત્યાં દર કરીને રહેવા લાગી. ખજાનો સાચવવાની એને ભારે લગની હતી. આથી એ ખાવાનું શોધવા પણ દૂર જતી નહિ. આથી એ દૂબળી રહેતી. એટલામાં બોધિસત્વ એ ગામે આવ્યા. એટલે જોયું કે આ ગામ પાસે તો સરસ આરસ પથ્થરોની ખાણ છે. આથી એમણે આરસની શિલાઓ કોતરી કાઢવા માંડી. કોતરીને એક બાજુ મૂકે. એમાંથી મૂર્તિ કોરી કાઢે.
એવી વેળા ઉંદરડી ઘણી વાર ખાવાનું શોધવા આવે. જતાં-આવતાં એ બોધિસત્વને જુએ. એમની મહેનત જુએ. રાજી થાય કે અહો ! કેવો મહેનતુ જીવ છે. મારા શેઠ પણ આવા જ મહેનતુ હતા. એટલે જ કરોડોનો ખજાનો જમા કરેલો ને ! આમ, સારા વિચાર કરતાં ઉંદરડીને બોધિસત્વ માટે હેત થઈ આવ્યું. એ વિચારવા લાગી : ‘અરે મારો કરોડોનો ખજાનો બેકાર પડ્યો છે. હું એ વાપરી શકતી નથી, કારણ કે વાપરવા માટે દૂર જાઉં અને અહીં કોઈ ચોર ત્રાટકે તો ! પરંતુ આ મહેનતુ જીવને સાધું તો એનુંય કામ થાય અને મારું પણ કામ થાય.’ આવો વિચાર કરીને ઉંદરડીએ ખજાનામાંથી એક સિક્કો ઉઠાવ્યો. એ લઈ જઈને પથ્થર કાપી રહેલા બોધિસત્વના ચરણોમાં મૂક્યો. બોધિસત્વ નવાઈ પામી ગયા. એમણે પૂછ્યું :
‘ઉંદરમા ! આ શું ? આ સિક્કો કેમ લાવ્યાં ?’
ઉંદરડી કહ્યું : ‘આ સિક્કો લો અને બજારે જાવ. ખાવાનું લઈ આવો. થોડુંક મને આપો અને બાકીનું તમે ખાવ. આથી તમારે બહુ મહેનત-મજૂરી કરવી નહિ પડે.’

બોધિસત્વે ઘડીક વિચાર કર્યો. પણ પછી પેલો સિક્કો ઉઠાવી લીધો. કહ્યું કે ભલે મા ! હમણાં જ તમારે માટે ખાવાનું લઈ આવું છું. એ જલદીથી નજીકને ગામ ગયા. કંદોઈની દુકાનેથી ખાવાનું લઈ આવ્યા. ઉંદરડીને જોઈએ તેટલું ખાવાનું આપ્યું. પોતે જમ્યા. વધેલું ખાવાનું સાંજ માટે એક પોટલીમાં બાંધ્યું. પછી એ કામે વળગ્યા અને શેઠાણી ઉંદરડી આરામ કરવા ગઈ. એ પછી તો આ હંમેશનો નિયમ થઈ ગયો. ઉંદરડી શેઠાણી ખજાનામાંથી એક સિક્કો લઈ આવે. સલાટને આપે. સલાટ જલદી જલદી ખાવાનું લઈ આવે. આમ ઉંદરડીને ખાવાનું શોધવાની ચિંતા ન રહી. એથી ધીરે ધીરે એની તબિયત સારી થવા લાગી. હવે એ દરરોજ સલાટ સામે બેસતી. એનું કામ જોતી. અલકમલકની વાતો કરતી. બંને વચ્ચે પાક્કી દોસ્તી થઈ ગઈ. પણ વળી એક દહાડો એક નવી આફત આવી. એક રાતે ઉંદરડીને એક બિલાડાએ પકડી. ઉંદરડીએ હાથ જોડ્યા. વિનંતી કરી,
‘મહેરબાન, મને મારી ખાશો નહિ.’
બિલાડો કહે : ‘કેમ ન ખાઉં ? મને ભૂખ લાગી છે અને તું મારો ખોરાક છે. તને ન ખાઉં તો મારી ભૂખ કેમ મટે ?’
ઉંદરડી કહે : ‘સ્વામી ! મને ખાવાથી તમારું પેટ આજે ભરાશે. પણ કાલે તો ખાલી થઈ જશે ને !’
બિલાડો કહે : ‘હાસ્તો ! એક વારનું ખાધેલું કાંઈ કાયમ થોડું જ રહે છે !’
ઉંદરડી કહે : ‘ત્યારે તમને કાયમ ખાવાનું મળે એવી જોગવાઈ કરી આપું તો ?’
બિલાડાને નવાઈ લાગી : ‘અબે, મૂઠી એકની ઉંદરડી ! તું વળી મને કાયમ ખાવાનું મળે એવી જોગવાઈ ક્યાંથી કરવાની ?’
ઉંદરડી કહે : ‘એની ચિંતા તમે ન કરો. બિલાડા મહારાજ ! કાલથી તમને પેટપૂર ખાવાનું મળશે, બસ ?’
બિલાડો કહે : ‘ઠીક છે. તું કહે છે તો કબૂલ કરું છું. પણ યાદ રાખજે- જો કદી મને ખાવાનું ન મળ્યું કે ઓછું મળ્યું તો તને ખાઈ જઈશ ! હું તારી સામે ને સામે રહીશ.’ આવું નક્કી થયું એટલે ઉંદરડીએ પોતાના ખાવાનામાંથી બે ભાગ કરવા માંડ્યા. સલાટ એને માટે જે લાવે એમાંથી ઘણું ખાવાનું એ બિલાડાને માટે રાખતી. પોતે થોડુંક જ ખાતી. રાતની વેળા બિલાડો આવતો અને પોતાનો ભાગ ખાઈ જતો.


પંખી

પંખી બનીને મને ઊડવું ગમે, ભાઈ ઊડવું ગમે
દોસ્તોની સાથે ઝૂમવું ગમે, ભાઈ મને ઝૂમવું ગમે
ઝાડોના ઝૂંડ મહી માળો બાંધીને
ડુંગરની ગોદમાં રમવું ગમે, મને ઊડવું ગમે.
અદ્ધર આકાશે જઈ ચાંદામામાની ગાડી કરી
તારલીયાની સાથે રમવું ગમે, મને ઊડવું ગમે.
ધરતીની છોડ મુકી સમંદર પાર કરી
હોડીના ઝૂલામાં ઝૂલવું ગમે, મને ઊડવું ગમે
પંખીની એક શીખ મનમાં લઈને
પંખીની સાથે સંપીને રહેવું ગમે, મને ઊડવું ગમે.

ચકીબેન

એક હતી ચકલી, ઓઢી ચાલી છત્રી
ભરવા ગઈ પાણી, પૂર લાવી તાણી
ચકીબેન ફેશનવાળા, ગળામાંતો બાંધે માળા
એણે પહેરી સાડી, મોરપીંછા વાળી
એણે પહેર્યા સેંડલ, નાખી પર્સ પેંડલ
મોટરમાં તો ફરવા ગઈ, ચપટી દાણા ચણવા ગઈ
દાણા લાવી પાલી, બધાને લાગે વ્હાલી
કેવા ચકીબેન સારા, સૌને લાગે પ્યારા