Tuesday, December 25, 2012

શિયાળામાં દિવસ ટૂંકો કેમ હોય છે?


દિવસની લંબાઈ પર સૂર્યનો પ્રકાશ અસર કરે છે. ઉનાળાની સરખામણીમાં શિયાળામાં ઓછો સમય સૂર્યપ્રકાશ રહે છે એટલે દિવસ ટૂંકો થઈ જાય છે. આપણે રોજ કેટલા વાગ્યે સવાર પડી અને ક્યારે સાંજ પડી તેની બહુ ચોક્કસ નોંધ રાખતા નથી હોતાપરંતુ ખરેખર તો આખા વર્ષ દરમિયાન પ્રકાશની વધઘટ ચાલ્યા કરતી હોય છે. આપણી પૃથ્વી ગોળ છે અને ઢળેલી છે એટલે સૂરજના પ્રકાશની વઘધટ ચાલ્યા કરે છે.
તમે જો ધ્યાનથી જોશો કે રોજેરોજ અખબારોમાં છપાતા સૂર્યોદયના સમય તરફ ધ્યાન આપશો તો તરત જ તમને આ વાત સમજાશે. ઢળેલી પૃથ્વી સૂરજની ફરતે ઘૂમે છે. તે વધુ ઢળેલી હોય ત્યારે તેને સૂરજનો પ્રકાશ વધુ મળે એટલે દિવસ લાંબો લાગે છે અને જ્યારે પ્રકાશ ઓછો મળે છે ત્યારે દિવસ ટૂંકો થઈ જાય છે. પ્રકાશનો આ નિયમ દરેક સૂરજની ફરતે ઘૂમતા દરેક ગ્રહને લાગુ પડે છે. ચાંદાનો એક દિવસ આપણા પૃથ્વી પરના ૨૮.૫ દિવસ જેટલો લાંબો એટલા માટે જ છે! 

છોગાળા હવે તો છોડો ...

એક હતો હાથી, ધમધમ એનું નામ. એક હતો સસલો. સની એનું નામ.
એક વાર બંને વચ્ચે ઝઘડો થઈ ગયો. સસલાને મનમાં થયું કે હાથીને મજા ચખાડી દઉં.
હાથી રોજ સસલાના ઘર પાસે થઈને નદીએ પાણી પીવા જાય. સસલાએ રસ્તા વચ્ચે ગાળિયો નાખી હાથીનો પગ બાંધવાનો વિચાર કર્યો. સસલીનેય વાત કરી. જંગલમાં દોરડું ક્યાંથી મળે? એટલે વેલા તોડી લાવી, વણીને દોરડું બનાવ્યું. એનો ગાળિયો બનાવ્યો ને પછી એનો એક છેડો બાવળના થડે બાંધ્યોપણ સસલાને વિશ્વાસ ન બેઠો એટલે ત્યાંથી છોડી થોરના થડે બાંધ્યો. તોય એનું મન ન માન્યું. છેવટે પોતાના પગે બાંધ્યો.
થોડી વારે હાથી આવ્યો. એનો પગ ગાળિયામાં પડયો ને ગાળિયો તેના પગે ફિટ આવી ગયો. એ જોઈ સસલો-સસલી રાજી થયાં. પણ આ શુંસસલાભાઈ પાછળ તણાવા લાગ્યા. આ જોઈ સસલી ગભરાઈને કહે, "છોગાળા છોડી દો, જવા દો બિચ્ચારાને...!"
સસલો માંડ માંડ બોલ્યો, "છોગાળા તો છોડે છે, પણ સૂંઢાળા ક્યાં છોડે છે?" ને સસલો તણાવા લાગ્યો. હાથીએ પાછળ નજર કરી. તેણે સનીને પાછળ ઘસડાતો જોયો. તેનેય મજા પડી. ભલે તણાતો. ફરીથી મારું નામ લેવાની ખો ભૂલી જશે.
આગળ મસ્તીમાં ચાલતો હાથી ને પાછળ અધમૂઆ જેવો ગબડતો સસલો! તેની પાછળ બૂમો પાડતાં જતાં સસલીબાઈ. કોઈ મારા સસલાને છોડાવો.
આગળ જતાં કૂતરો મળ્યો, "કુત્તાભૈ, મદદ કરો. તમારા ભાઈને છોડાવો." કૂતરો કહે, "એ કામ મારું નહીં." ને કૂતરો તો ચાલતો થયો.
આગળ જતાં શિયાળ મળ્યું. સસલી કહે, "શિયાળ, મારા ભઈલા, તારા બનેવીને મદદ કર."
શિયાળ કહે, "ઊંહું... બેની લડાઈમાં હું કદી વચ્ચે માથું મારતો જ નથી ને..!" ને હીહી હસતું હસતું શિયાળ જતું રહ્યું.
આગળ જતાં નોળિયો મળ્યો. રડતાં રડતાં સસલી કહે, "નોળિયાભૈ, તમારા ભૈબંધને ઉગારો તો..."
નોળિયાએ સસલાને ને હાથીને જતાં જોયાં. તે કહે, "ભાભી, ચિંતા ના કરો. આ દાંત ભગવાને શીદ આપ્યા છે?"
ને ઝડપથી નોળિયો હાથીને સસલા વચ્ચે પહોંચી ગયો. કટ...કટ...કટ...ને વેલો કપાઈ ગયો. સસલાભાઈ છૂટા થયા. એમના જીવમાં જીવ આવ્યો.
નોળિયાએ પૂછયું, "આવું કેમ કરતાં થયું?"
સસલીએ માંડીને બધી વાત કરી. પછી કહે, "હાથીને એક વાર મજા તો ચખાડવી પડશે હોં નોળિયાભૈ. એ મોટો એટલે શું થઈ ગયું? અમારા જેવા નબળા ને નાના જીવની આવી મજાક કરવાની?"
નોળિયો કહે, "ભાભી, ચિંતા ના કરો. હું કાંક ઉપાય વિચારું છું."
તે દિવસે તો સૌ છૂટા પડયાં. થોડા દિવસ સસલાને આરામ કરવો પડયો. હવે તે સાજો થઈ ગયો હતો. તે નોળિયાના ઘરે ગયો. કહે, "નોળિયાભાઈ, ઉપાય જડયો?"
નોળિયો ને સસલો બહાર નીકળ્યા. પહેલા તેઓ મગર પાસે ગયા. નોળિયો કહે, "મગરભૈ, એક કામ ના કરો? હાથી પાણી પીવા આવે ત્યારે તમે એનો પગ ના ખેંચો?"
મગર ઠાવકાઈથી કહે, "ના ભૈ, મારે શીદ હાથી જોડે વેર બાંધવું?"
બંને ભાઈબંધ આગળ ગયા. એક ઝાડ પર અજગર આરામથી વીંટળાઈને પડયો હતો. નોળિયો બોલ્યો, "અજગરભૈ, હાથીને મજા ચખાડોને? એ આ સસલાને હેરાન કરે છે."
અજગર કહે, "તમારા ઝઘડામાં હું શીદ વચ્ચે પડું? ના, ભૈ, ના."
બંને જણ આગળ વધ્યા. આગળ એક ખાબોચિયું આવ્યું. તેમાં ઊગેલાં છોડનાં પાન પર એક મચ્છરભાઈ બેઠા હતા. નોળિયાએ મચ્છરને બધી વાત કરી ને પછી કહે, "મચ્છરભૈ, તમારા જેવા નાના જીવોને એ હાથીડો હેરાન કરે એ કંઈ ચાલે?"
મચ્છર ગુન ગુન કરી કહે, "ના ચાલે...ગુનગુન..."
નોળિયો કહે, "તો તમે હાથીને મજ્જા ચખાડશો?"
મચ્છરે હા પાડી. સસલાને થયું કે ક્યાં પહાડ જેવડો હાથી ને ક્યાં નખ જેવડો મચ્છર! જે હાથીને હું કશું ના કરી શક્યો એને મચ્છર શું મજા ચખાડશે?
ત્રણ જણ નીકળ્યા હાથીની શોધમાં. હાથી વડના છાંયડે ઊભો હતો. મચ્છર કહે, "તમે અહીં જ ઊભા રહો. હું એકલો જાઉં છું."
ને મચ્છર ગુન ગુન કરતો ઊડયો. તે સીધો હાથીના કાનમાં ઘૂસી ગયો ને ચટકા ભરવા લાગ્યો. હાથી ચીસો પાડી કહેવા લાગ્યો, "અલ્યા મચ્છર, બહાર નીકળ તને જે જોઇતું હોય તે આપું..." પણ મચ્છર માનેતે વધારે ચટકા ભરવા લાગ્યો. હાથી અકળાઈ ગયો. આ જોઈ સસલો રાજી થયો.
નોળિયો આગળ આવી કહે, "હાથીભૈ, જ્યાં સુધી તમે સસલાની માફી નહીં માંગો ત્યાં સુધી મચ્છર હેરાન કરશે."
હાથી સમય પારખી ગયો. તેણે સની સસલાની માફી માગી. "સોરીસનીભાઈ, હવે હું તમને કદી હેરાન નહીં કરું."
નોળિયાએ બૂમ પાડી કહ્યું, "મચ્છરભાઈ, બહાર આવો. કામ પતી ગયું."
ને મચ્છરભાઈ આવી ગયા બહાર.
પછી હાથીએ સૂંઢ લંબાવી સની સાથે શેકહેન્ડ કર્યા. 
 

પોપટ ભણ્યો નવો પાઠ

એ ક હતો પોપટ. તે દેખાવે હતો રૂડોરૂપાળો. સૌ કોઈ એના રૂપનાં વખાણ કરતા એટલે તેને અભિમાન આવી ગયું કે મારા જેવું કોઈ નહીં. એને પછી એમ થયું કે મિત્રતા પણ જેવા-તેવા સાથે ન કરાય. એણે વિચાર્યું: મારા જેવું રૂપાળું હોયજેનો અવાજ મારા જેવો મીઠો હોયજે સુંદર ભોજન જમતો હોય એની જોડે મિત્રતા કરાય. બાકી બધા તો!
ને તે પછી એનો સ્વભાવ બદલાઈ ગયો.
વગડામાં એ વૃક્ષની ડાળ પર બેસે. એ ઝાડ પર નજીક આવી જે કોઈ બેસે તેની નિંદા કરે. ચકલીને એ કહે, "તું કેવું ચીં...ચીં...ચીં કરે છે! તારું માથું નથી દુખતું?"
ચકલી કહે, "ના રે. એ તો હું ગાઉં છું."
"ગીત કંઈ આવું હોય? મારી જેમ જરા ગાતાં શીખ."
કાગડાને કહે, "અલ્યા, તારો રંગ આવો કેમકોલસા જેવો સાવ કાળો મેંશ!" કાગડો કંઈ જવાબ આપે એટલે પાછો કહે, "બસ, બસ હવે જેવો તારો રંગ એવો તારો કંઠ..કા..કા..કા. ને તું ખાવાનું કેવું એંઠું જૂઠું ખાય છે..? છિ છિ, તારી ચાંચ ગંધાય છે?"
કબૂતરને કહે, "આ તું ઘૂ ઘૂ ઘૂ શું કર્યા કરે છે? ને આ તારી નાની ચાંચ ને નાની આંખ...! કેવી ભદ્દી લાગે છે!"
તો વળી કાબરને કહે, "તું કલબલ કાં કરે? જરા શાંતિથી બેસ. કંઈક વિચારીને ગા, તો સારી લાગે...!"
આમ પોપટ બધાં પંખીઓની ખામી કાઢયા કરે. તે પાછો સૌને મોઢા પર કહી દે એવો નફફટ. કોઈને પોપટની આ કુટેવ ના ગમે. બધાએ એના સામે બોલવાનું ઓછુ કરી નાખ્યું. સૌએ તેની કિટ્ટા કરી નાખી ને ઉપરથી નામ પાડી દીધું કચકચિયો પોપટ.
પછી તો જે ડાળ પર પોપટ બેઠો હોય તે ડાળ પર તો શુંતે ઝાડ પર એકેય પંખી ન બેસે. આ જોઈ પોપટને એમ થાય કે બધાં મારાથી કેવાં ડરે છે! પણ પછી એક કાબરે સાચી વાત કહી દીધી ત્યારે પોપટને દુઃખ તો થયુંપણ એ તો તોય અક્કડ જ રહ્યો. ભલે ને, કોઈ ના બોલે... મારે કેટલા ટકા? હું તો એકલો બસ છું. જંગલમાં સિંહ પણ એકલો જ ઘૂમતો હોય છે ને! એટલે તો એ વનનો રાજા છે ને!
એક દિવસ એવું બન્યું કે પોપટ એક ઝાડ પર બેઠો હતો. ત્યાં તેની સામેની ડાળ પર એક કાગડો આવીને બેઠો. આ જોઈ પોપટને નવાઈ લાગી. આ કાગડો દૂર...દૂરથી આવેલો એટલે તે પોપટની વાતથી અજાણ હતો.
કાગડો કહે, "નમસ્તે પોપટ ભૈ, કેમ મજામાં ને?"
પોપટ મોં મચકોડી આડું જોઈને કહે, "હું તમારા જેવા કાળિયા ને કર્કશ અવાજવાળા સાથે વાત જ નથી કરતો." આ સાંભળી કાગડાને નવાઈ લાગી. તે કહે, "ભલે, તો હું સામેના ઝાડ પર જાઉં છું." આમ કહી કાગડો ત્યાં જઈને બેઠો. ત્યાં એક કબૂતર બેઠેલું હતું. તેણે કાગડાને પોપટની બધી વાત કહી.
એટલામાં એક શિકારી આવ્યો. પોપટને ઝાડ પર બેફિકરાઈથી બેઠેલો જોયો. તેને પોપટનો શિકાર કરવાનું મન થયું. તેણે તત્કાળ ધનુષ પર તીર ચઢાવ્યું. તીર છૂટયું ને તે જ સમયે પોપટનું ધ્યાન ગયું. તે ઊડયો છતાં પૂંછડી પર તીર વાગ્યું ને પોપટ ગડથોલિયું ખાઈ નીચેના ઝાંખરા પર પડયો.
કબૂતરે અને કાગડાએ દૂરથી આ જોયું. કાગડાને પોપટ પર દયા આવી ગઈ. શિકારી પોપટને શોધવા તે ઝાંખરા નજીક પહોંચે તે પહેલાં કાગડો ઊડીને પોપટ નજીક પહોંચી ગયો. પોપટ ઝાંખરા પર દુઃખથી રડતો હતો.
કાગડો કહે, "પોપટ ભૈ, ગભરાશો નહીં. તમે મારો પગ ચાંચથી પકડી લો. હું તમારી ડોક મારી ચાંચમાં પકડી ઊડું છું."
પોપટને થયું કે કાગડાનું ગંદું મોં...ને મારી સુંદર ડોક..! પણ બિચ્ચારો પોપટકરે શું! નાછૂટકે કાગડાએ કહ્યું એમ કરવા લાગ્યો ને શિકારી આવે તે પહેલાં કાગડો પોપટને લઈને ઊડી ગયો. શિકારી આ જોતો જ રહી ગયો.
કાગડો પોપટને એક દૂરના મોટા ઝાડ પર લઈ ગયો. તેની પહોળી ડાળ પર પોપટને સુવડાવ્યો. એ ઝાડ પર ઘણાં પંખીઓ હતાં. સૌ આ કચકચિયા પોપટને ઓળખતાં હતાં. તેની આવી ભૂંડી દશા જોઈ સૌ રાજી થયાં. કાગડાએ પોપટને મદદ કરવા કહ્યુંપણ સૌએ ના પાડી. આ જોઈ કાગડો કહે, "પંખીઓ, સંકટના સમયે આપણા એક બાંધવને મદદ કરવી એ આપણી ફરજ છે."
"પણ આવા અભિમાનીને મદદ ના કરાય." સૌ કહેવા લાગ્યાં.
પોપટે રડતાં રડતાં સૌની માફી માગી.
ને પછી તો સૌ પંખી એને મદદ કરવા તલપાપડ થઈ ગયાં. કોઈ ચાંચમાં પાણી લઈ આવ્યું. કોઈએ તેનો ઘા સાફ કર્યો. હોલો ક્યાંકથી ચીંથરું લઈ આવ્યો. સુગરીએ તેને પાટો બાંધી દીધો. પોપટને રાહત થઈ.
કચકચિયા પોપટને આજે એક નવો બોધપાઠ શીખવા મળ્યો હતો. 
 

Saturday, December 1, 2012

લાલા લજપતરાય-મહાન ક્રાંતિકારી



આપણો દેશ અંગ્રેજોના સકંજામાં સપડાયો હતો ત્યારે ક્રાંતિકારી વિચારોની જ્યોત જલાવનારા લાલા લજપતરાય તે સમયે ક્રાંતિકારી યુવાનો માટે પ્રેરકબળ હતા. ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓ પર લાલા લજપતરાયનો ઊંડો પ્રભાવ હતો. આજે તેમનો ૮૪મો નિર્વાણદિન છે ત્યારે તેમના વિશે થોડું વધુ જાણીએ.
તેમનો જન્મ ૨૮ જાન્યુઆરી૧૮૬૫ના રોજ પંજાબના ધુડીકે (હાલમાં મોગા જિલ્લા તરીકે જાણીતું)માં થયો હતો. તેમના પિતાનું નામ મુન્શી રાધાકિશન આઝાદ અને માતાનું નામ ગુલાબદેવી હતું.
* લાલાજીએ ૧૮૮૦માં કાયદાનો અભ્યાસ કરવા લાહોરની સરકારી કોલેજમાં પ્રવેશ લીધો હતોજ્યાં તેમની મુલાકાત દેશભક્ત અને ફ્રીડમ ફાઇટર લાલ હંસરાજ અને પંડિત ગુરુદત્ત સાથે થઈ,ત્યારથી તેઓ જાહેર જીવનમાં પ્રવેશ્યા. તેઓ હિસાર પાલિકાની ચૂંટણીમાં સભ્ય તરીકે ચૂંટાયા હતા અને સેક્રેટરી પણ બન્યા હતા.
* ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ત્રણ મુખ્ય અને અગ્રણી ગણાતા સભ્યોમાં લાલાજી હતા. તેમણે બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ સાથે મળીને ભારતની આઝાદી માટે લડત ચલાવી હતી. આ ત્રિપુટી પછીથી ભારતભરમાં લાલ, બાલ અને પાલનાં નામે જાણીતી બની હતી.
* બંગાળ વિભાજન વખતે લાલાજીએ સુરેન્દ્ર નાથ અને મર્હિષ અરવિંદ સાથે મળીને સખત સંઘર્ષ કર્યો હતો. બંગાળને ધબકતું કરીને તેમણે જોશ ઊભું કરી દે તેવું સ્વદેશી અભિયાન શરૃ કર્યું. ૧૯૦૭માં અરાજકતા ઊભી કરવા બદલ રાવલપિંડીમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.
* ૧૯૨૦માં તેઓ અમેરિકાથી ભારત પરત ફર્યા અને જલિયાંવાલા બાગમાં થયેલા હત્યાકાંડની સામે નોન-કોઓપરેશન મૂવમેન્ટ શરૃ કરી. તેમની અનેક વખત ધરપકડ કરવામાં આવી હતી.
* ૧૯૨૮માં બ્રિટિશ સરકારે સાયમન કમિશનને મંજૂર કરવાનું નક્કી કર્યું ત્યારે તેના વિરોધમાં લાલાજીએ મહારેલી કાઢી હતી. આ સમય દરમિયાન તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મારા શરીર પર પડેલો લાઠીનો એક એક ઘા બ્રિટિશ સરકારના કોફિન પર એક એક ખીલો જડવાનું કામ કરશે. આ લાઠીચાર્જમાં જ ૧૭ નવેમ્બર૧૯૨૮ના રોજ દેશભક્ત લાલાજીનુંં નિધન થયું હતું.
* તેમના અવસાનના સમાચારથી તે સમયે આખા ભારતમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. લાલા લજપતરાયજીના નિધન પછી જ ચંદ્રશેખર આઝાદભગતસિંહ જેવા ક્રાંતિકારીઓએ અંગ્રેજો સામેની લડત વધુ ઉગ્ર બનાવી હતી

વાઘ અભ્યારણ-કોર્બેટ નેશનલ પાકૅ



જંગલની મજા માણવી હોયજાતજાતનાં પંખીઓનો સાચો કલરવ સાંભળવો હોય અને મુક્તમને વિહરતા ઘાતક વાઘ જોવા હોય તો જીમ કોર્બેટ નેશનલ પાર્ક એકદમ રાઇટ ચોઇસ છે. ઉત્તરાંચલ રાજ્યના નૈનિતાલ અને પૌરી જિલ્લાની હદમાં આવેલો આ દેશનો સૌથી મોટો અને જૂનો નેશનલ પાર્ક છે. શિકારીમાંથી જંગલ સંરક્ષક અને નેચર એક્સપર્ટ બનેલા બ્રિટિશ કર્નલ જીમ કોર્બેટના નામ પરથી આ પાર્કનું નામ 'જીમ કોર્બેેટ નેશનલ પાર્ક' રાખવામાં આવેલું છે. ૫૨૦ સ્ક્વેર કિલોમિટરના વિસ્તારમાં નદીતળાવ, જંગલ, પહાડ અને ઘાસનું મેદાન ફેલાયેલું છે. હિમાલયની ઘાટીના આ નેશનલ પાર્કને કોર્બેટ ટાઇગર રિઝર્વ અને સોનાનંદી વાઇલ્ડ લાઇફ સેન્ક્ચ્યૂઅરી સાથે જોડીએ તો તેનો ફેલાવો ૧૨૮૮ સ્ક્વેર કિલોમિટર થાય છે.
કોર્બેટ નેશનલ પાર્કમાં નેચરની મજા માણવા દેશ અને દુનિયાના અનેક પ્રવાસીઓ આવે છે. દેશમાં શરૂ થયેલા સેવ ટાઇગર ઝુંબેશને લીધે તાજેતરનાં વર્ષોમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. દર વર્ષે લગભગ ૭૦,૦૦૦ જેટલા પ્રવાસીઓ તેની મુલાકાત લે છે. ૭૦ ટકા વિસ્તારમાં જંગલ પથરાયેલું છે અને બાકીનો ભાગ નદીપહાડીઓ તેમજ ઘાસનું મેદાન રોકે છે. અહીં ૪૮૮ પ્રકારના વિવિધ પ્લાન્ટ્સ જોવા મળે છે. એશિયાટિક એલિફ્ન્ટ અને ટાઇગર અહીંની ખાસિયત છે. ૫૦ પ્રકારનાં સસ્તનધારી પ્રાણીઓ, ૫૮૦ પ્રકારનાં પંખીઓની જાતો, ૧૧૦ પ્રકારનાં વૃક્ષો આ પાર્કની શોભા છે. પ્રશાસન તરફથી જંગલ સફારીની સગવડો પણ ઊભી કરવામાં આવી છે. ૨૦૧૧માં પોતાની સ્થાપનાના ૭૫ વર્ષની ઉજવણી કરનાર આ પાર્ક ઇકો ટૂરિઝમ માટે શ્રેષ્ઠ સ્થળ છે

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ : ડો. રાજેન્દ્ર પ્રસાદ



૩જી ડિસેમ્બરે આઝાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ અને આઝાદીની ચળવળના અગ્રિમ હરોળના નેતા ડો. રાજેન્દ્ર પ્રસાદની ૧૨૮મી જન્મજયંતી છે. ડો. રાજેન્દ્ર પ્રસાદ બે વખત ભારતના રાષ્ટ્રપતિ પદે બિરાજ્યા હતા. રાષ્ટ્રપતિ તરીકે બે વખત રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશનારા તેઓ એકમાત્ર વ્યક્તિ છે. ડો. રાજેન્દ્ર પ્રસાદ પછી આજ સુધી કોઈ પણ રાષ્ટ્રપતિને બે વખત આવો મોકો નથી મળ્યો.
* રાજેન્દ્ર પ્રસાદનો જન્મ ચંપારણ જિલ્લાના જિરાદેઈ ગામમાં મહાદેવ સહાય અને કમલેશ્વરી દેવીને ત્યાં થયો હતો. તેમના પિતા સંસ્કૃત અને ફારસી ભાષાના વિદ્વાન હતા અને રાજેન્દ્રમાં સ્વાભાવિક રીતે જ તેમની વિદ્વત્તા ઊતરી હતી.
* તેઓ માત્ર ૧૨ વર્ષના હતા ત્યારે તેમનાં લગ્ન રાજવંશીદેવી સાથે થયાં હતાં. તેમણે તેમના મોટા ભાઈ મહેન્દ્રપ્રસાદ સાથે પ્રારંભિક શિક્ષણ પટણાની આર. કે. ઘોષ એકેડેમીમાં મેળવ્યું હતું.
* ગાંધીજીની કાર્યશૈલીથી પ્રભાવિત થઈને તેઓએ આઝાદીની લડતમાં ઝંપલાવ્યું હતું. જ્યારે રાષ્ટ્રપતિ પદ માટે ચર્ચા ચાલતી હતી ત્યારે ગાંધીજીએ જ રાજેન્દ્ર પ્રસાદના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને બીજા બધા કોંગ્રેસી સભ્યોએ સ્વીકારી લીધો હતો.
* ૧૯૪૨ના વર્ષમાં જ્યારે તેમને જેલ જવાનું થયું ત્યારે તેમણે એ ૩ વર્ષમાં 'ઇન્ડિયા ડિવાઇડેડ' પુસ્તક લખ્યું હતું, જેની પછીથી ખૂબ જ નોંધ લેવાઈ હતી.
* પ્રથમ વખતની લોકપ્રિયતા પછી તેઓ બીજી ટર્મ માટે પણ રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓએ રાષ્ટ્રપતિ ભવનમાં ૧૨ વર્ષ૩ મહિના અને ૧૮ દિવસ વિતાવ્યા હતા. આટલો વખત રાષ્ટ્રપતિ ભવનમાં ગાળનારા તેઓ પ્રથમ અને એકમાત્ર રાષ્ટ્રપતિ હતા.
* દેશના રાષ્ટ્રપતિને તે સમયે ૧૦ હજાર રૂપિયાનો પગાર મળતો હતોજેમાંથી તેઓ માત્ર એક હજાર રૂપિયા સ્વીકારતા હતા. દેશનો એક રૂપિયો પણ ખોટી રીતે ખર્ચ થવો ન જોઈએ એવો મત તેઓ ધરાવતા હતા.
* આઝાદીની લડત વખતે અલગ અલગ સમયે તેઓ ૧૬ વર્ષ માટે જેલમાં રહ્યા હતા. એ દરમિયાન તેઓ લેખન પ્રવૃત્તિ તરફ વળ્યા હતા. આજના નેતાઓથી તદ્દન ભિન્ન એવી સરળ ગાંધીવાદી જીવનશૈલી અપનાવનારા ડો. રાજેન્દ્ર પ્રસાદનું નિધન ૨૮ ફેબ્રુઆરી૧૯૬૩ના રોજ થયું હતું.