Tuesday, September 25, 2012

મૂર્ખ શિષ્યો ગુરુ માટે બન્યા આફત

એક આશ્રમમાં ગુરુજી તેમના શિષ્યો સાથે રહેતા હતા. ગુરુજી તેમને ભણાવતા. શિષ્યો આશ્રમમાં રહી ગુરુજીની સેવા કરતા તેમજ આશ્રમનું કામકાજ કરતા. આ આશ્રમમાં કેટલાક દિવસથી બે નવા શિષ્યો ભણવા આવ્યા હતા. તે બંને શિષ્યો એકબીજા પર ભારે ખાર કરતા રહેતા. ગુરુજીએ આ બંને શિષ્યોને પોતાના પગ દબાવવાનું કામ સોંપ્યું હતું. એક શિષ્યને ડાબો પગ દબાવવાનું કામ અને બીજા શિષ્યને જમણો પગ દબાવવાનું કામ સોંપ્યું. બંને શિષ્યો ગુરુજીની સૂચના પ્રમાણે એકેક પગ દબાવતા.
એક દિવસ ડાબો પગ દબાવનાર શિષ્યને બહારગામ જવાનું થયું, તેથી ગુરુજીએ જમણો પગ દબાવનારા શિષ્યને ડાબો પગ દબાવવાનું પણ કહ્યું. શિષ્ય એનો ઇન્કાર કરતાં બોલ્યો, "ડાબો પગ દબાવનારો શિષ્ય મારી સાથે ઝઘડે છે, એટલો એનો પગ હું નહીં દબાવું."
ગુરુજીએ એને સમજાવતાં કહ્યું, "આ પગ પણ મારો જ છે. એની સેવાનું ફળ પણ તને જ મળશે." પરંતુ ગુસ્સે થયેલા આ શિષ્યે નજીકમાં પડેલો દંડો ઉપાડી જોરથી તેમના ડાબા પગ પર માર્યો. ગુરુજી દર્દથી ચીસ પાડી ઊઠયા. આશ્રમના શિષ્યો દોડી આવ્યા અને પેલા શિષ્યને ખૂબ માર્યો.
બીજા દિવસે ડાબો પગ દબાવનાર શિષ્ય બહારગામથી આવ્યો. તેણે જાણ્યું કે તેના શત્રુએ ગુરુજીનો પોતે જે પગ દબાવતો હતો તે ભાંગી નાખ્યો છે, એથી એ ખૂબ ગુસ્સે થયો. એ તરત જ ગુરુજી સૂતા હતા ત્યાં ગયો અને ગુરુજીનો જમણો પગ કે જે પેલો બીજો શિષ્ય દબાવતો હતો તે દંડા વડે ભાંગી નાખ્યો. પરસ્પર દ્વેષવાળા શિષ્યોએ પોતાની મૂર્ખતાને કારણે ગુરુજીના બંને પગ ભાંગી નાખ્યા! 
બોધઃ મૂર્ખને કામ સોંપતાં પહેલાં સો વખત વિચારવું જોઈએ. મૂર્ખ માણસનો સંગ પણ ઘણી આફતોને નોતરે છે.

No comments:

Post a Comment