Tuesday, September 25, 2012

પ્રામાણિક ખેડૂત

ઘણા સમય પહેલાંની આ વાત છે. એક રાજા રાજ્ય કરતો હતો. તેને રાજ્યના ખજાના માટે સારું રક્ષણ કરી શકે તેવા ખજાનચીની જરૂર હતી. ઈમાનદાર અને પ્રામાણિક માણસને ખજાનચી બનાવવાની તેની ઈચ્છા હતી. ઘણાની પરીક્ષા લીધી પરંતુ કોઈ બરાબર જણાયું નહીં.
રાજધાનીથી થોડે દૂર એક ખેડૂત રહેતો હતો. તૂટેલી ઝૂંપડી હતી. વરસાદમાં ઘરમાં પાણી ટપકતું હતું.
ખેડૂત અને તેનું કુટુંબ એક વાર જમીને જંિદગી વીતાવતાં હતાં. સવારના પહોરમાં ખેડૂત ખેતરે જતો હતો. તેવામાં તેની નજર ઘર આગળ પડેલા એક ઘડા ઉપર પડી. આ માટીનો ઘડો છલોછલ સોનામહોરોથી ભરેલો હતો.
ખેડૂત દંગ થઈ ગયો. ઘડો લઈને તે ઘેર ગયો. સોનામહોરોથી જીવન સુધરી જશે એમ બાળકો વિચારતાં હતાં.
પરંતુ ખેડૂત અને તેનાં પત્ની આવું અણહકનું ધન લેવા માગતાં ન હતા. તેમણે તે ઘડો રાજાને સોંપવા વિચાર્યું. ખેડૂત અને તેનાં પત્ની રાજદરબારમાં ગયાં. અને નમ્રતાથી ઘડો કેવી રીતે મળ્યો તેની વાત રાજાને કરી.
રાજાએ ઘડો લઈ લેવા ખેડૂતને કહ્યું. પણ ખેડૂત કહે, ‘‘રાજાસાહેબ! આ ધન મારું નથી. અમે તો અમારા પરસેવાની કમાણીથી ગુજરાન ચલાવીએ છીએ. માટે કૃપા કરીને આ ઘડો રાજ્યમાં જમા કરાવો.’’
ગરીબ ખેડૂતની દશા રાજાએ જોઈ પણ તેની પ્રામાણિકતા અને ઈમાનદારીથી તે અત્યંત રાજી થયો. થોડી સોનામહોરો ઈનામ તરીકે લેવા પણ ખેડૂતે ના પાડી.
રાજા સંિહાસન ઊપરથી ઊતર્યો અને ખેડૂતને ભેટી પડ્યો. મારે તારા જેવા ખજાનચીની જરૂર હતી. આજથી તું મારા રાજ્યનો ખજાનચી છે. ખેડૂત દંપતીના મોં પર આનંદ છવાયો.
હકીકતમાં પરીક્ષા કરવા રાજાએ આ ઘડો મુકાવ્યો હતો. જેણે જેણે સોનામહોરો લીધી હતી તેમને સજા કરી હતી. ઘડાને જમા કરાવનાર ફક્ત ખેડૂત જ નીકળ્યો. રાજાએ કહ્યું, ‘‘જગતમાં પ્રામાણિકતા અને ઈમાનદારી મહાન ગુણો છે.’’

No comments:

Post a Comment