Thursday, June 7, 2012

બોધ કથા


એક નાનકડા ગામમાં એક ડોશીમા એકલા રહેતાં હતાં. ડોશીમાનો સ્વભાવ ખૂબ માયાળુ હતો. ગામમાં જરૂર પડયે બધાની મદદ કરતા રહે. પશુ, પક્ષીઓ તરફ પણ એમને એટલી જ માયા. ચકલાને ચણ નાખે અને ગાયોને ચારો પણ નાખે. ગામમાં કોઈ અભ્યાગત આવે એની સંભાળ પણ આ માજી જ કરે. હવે તો ગામમાં કોઈ આવે એટલે ગામ લોકો પણ ડોશીમાનું ઘર જ બતાવી દે. તેમના ગામમાં જ નહીં પણ આસપાસના થોડાંક ગામડાંઓમાં પણ તેમના આ માયાળુ સ્વભાવની બધા પ્રશંસા કરવા લાગ્યા. અમુક શાણા માણસો તો વળી ડોશીમાને શીખામણ પણ આપે કે માજી આ દુનિયામાં બધા લોકો સરખા નથી હોતા, ક્યારેક તમે તમારા આ માયાળુ સ્વભાવના કારણે મુશ્કેલીમાં મુકાઈ જશો. માજી શીખામણ આપનારને શાંતિથી જવાબ આપે કે જો ભાઈ હું તો બધાની સંભાળ રાખવાની માત્ર કોશિશ કરું છું, બાકી ખરી સંભાળ તો ઉપરવાળો રાખે છે. મારું ધ્યાન પણ એ જ રાખશે. શાણા માણસો ચર્ચા કરતા કે બિચારા આ ભોળા માજી તેના આ દયાળુ સ્વભાવના કારણે નક્કી ક્યારેક મુસીબતમાં મુકાશે.
ઠંડીની ઋતુ શરૂ થઈ ગઈ હતી અને એમાંયે વળી આ વખતે બરફ પણ પડયો. ઠંડી એવી પડી રહી હતી કે લોકો ઘરની બહાર જ નીકળતા ન હતા. માણસો પાસે તો ઠંડીથી બચવાના કેટલા ઉપાયો હતા, પણ બિચારા અબોલ પશુઓની હાલત તો એથીય બદતર હતી. એવામાં એક સાપ ડોશીમાની નજરે પડયો. એકદમ મૃત હાલતમાં હોય એ રીતે ઠંડીથી બેહાલ સાપ પર માજીને દયા આવી ગઈ. સાપને બહુ કાળજીપૂર્વક હાથમાં ઉઠાવીને માજી ઘરમાં લઈ આવ્યાં. સાપને દૂધ પીવડાવ્યું અને ઘરના ગરમ વાતાવરણથી સાપના શરીરમાં નવી ચેતના આવી. તેના શરીરમાં લોહીનું ભ્રમણ થવા લાગ્યું. અચાનક તેને વાચા ફૂટી. સાપે માજીને કહ્યું કે, 'આજે તમે મને નવજીવન આપ્યું છે. તમે મને ઘરમાં લાવીને આટલી સંભાળ ન રાખી હોત તો કદાચ હું મૃત્યુ પામ્યો હોત.' ડોશીમા કશું બોલ્યા નહીં, તે તો ફરીથી સાપ માટે દૂધ લઈ આવ્યા. આ દૂધ પીવાથી સાપને વધુ શક્તિ મળતી જણાઈ. હવે માજી પણ ખુશ થયાં. એક મરી જતા સજીવનો જીવ બચાવવા તે નિમિત્ત બન્યાં તેનો તેમને આનંદ હતો.
હવે ધીરે ધીરે સાપ તેના અસલ સ્વરૂપમાં આવતો હતો. ફેણ માંડી હલાવતો હતો. તેણે તેના મૂળ સ્વભાવ મુજબ ડોશીમાને કહ્યું કે, 'હું તમને ડંખ મારીશ.' માજી તો વિચારમાં પડી ગયા કે થોડી વાર પહેલાં તેનો જીવ બચાવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરતો આ સાપ હવે ઉપકાર ભૂલી જઈને ડંખ મારવા તૈયાર થયો છે તો હવે મારે શું કરવું જોઈએ? ડોશીમા વિચારતા હતા ત્યારે તેને પેલા શાણા માણસોની શીખામણ યાદ આવી કે દુનિયામાં બધા લોકો ઉપકારનો બદલો ઉપકારથી જ વાળે એ જરૂરી નથી એટલે આપણે ચેતતા રહેવું જોઈએ.
માજીએ એક યુક્તિ કરી અને સાપને કહ્યું કે, 'સારું તું તારે મને ડંખ મારજે, પણ ત્યાં થાળીમાં મેં હજુ તારા માટે દૂધ રાખ્યું છે એ પી લે પછી મને ડંખજે.' સાપને થયું કે ડોશીમાનું ચસકી ગયું લાગે છે. હું તેને ડંખવાની વાત કરું છું અને તો પણ તે મને દૂધ આપે છે. દૂધ પી લઈશ પછી તો મારામાં વધુ બળ આવી જશે એમ વિચારીને તે થાળીમાં રાખેલું દૂધ પીવા ગયો. થાળી પિંજરામાં રાખી હતી. જેવો સાપ પિંજરામાં દાખલ થયો કે માજીએ તેને કેદ કરી લીધો. માજીએ કહ્યું કે, 'મને ખબર હતી કે કોઈ પણ સજીવ તેની પ્રકૃતિ છોડી શક્યો નથી અને એટલે તારા સ્વભાવમાં બદલાવ આવી જાય તો એનો ઉપાય પણ શોધી રાખ્યો હતો.' જીવ બચાવનાર માજીને ડંખવાની ઇચ્છા રાખનાર સાપને પોતાની કરણી પર ખૂબ જ ગ્લાનિ થઈ આવી. તેણે માજીની માફી માંગી અને પિંજરામાંથી છોડી મૂકવાની આજીજી કરી, પણ ડોશીમાએ તેને ન છોડયો અને કહ્યું કે એક વાર છોડી દીધા પછી તારો સ્વભાવ ફરીથી મને ડંખ મારવા પ્રેરશે એટલે હવે યોગ્ય સમયે હું તને જંગલમાં જ છોડી મૂકીશ.
બોધઃ દરેકને મદદ કરવાની ભાવના ખૂબ સારી વાત છે, પણ એમાં વિવેકબુદ્ધિ રાખવામાં જ શાણપણ છે. દરેક વખતે ઉપકારનો બદલો ઉપકારથી જ મળે એમ બનતું હોતું નથી. કોઈ પણ સજીવ પોતાની સ્વભાવગત પ્રકૃતિ લાંબો વખત છુપાવી શક્યો નથી એટલે એ સામે આવી જ જાય છે.              

No comments:

Post a Comment