Tuesday, December 25, 2012

પોપટ ભણ્યો નવો પાઠ

એ ક હતો પોપટ. તે દેખાવે હતો રૂડોરૂપાળો. સૌ કોઈ એના રૂપનાં વખાણ કરતા એટલે તેને અભિમાન આવી ગયું કે મારા જેવું કોઈ નહીં. એને પછી એમ થયું કે મિત્રતા પણ જેવા-તેવા સાથે ન કરાય. એણે વિચાર્યું: મારા જેવું રૂપાળું હોયજેનો અવાજ મારા જેવો મીઠો હોયજે સુંદર ભોજન જમતો હોય એની જોડે મિત્રતા કરાય. બાકી બધા તો!
ને તે પછી એનો સ્વભાવ બદલાઈ ગયો.
વગડામાં એ વૃક્ષની ડાળ પર બેસે. એ ઝાડ પર નજીક આવી જે કોઈ બેસે તેની નિંદા કરે. ચકલીને એ કહે, "તું કેવું ચીં...ચીં...ચીં કરે છે! તારું માથું નથી દુખતું?"
ચકલી કહે, "ના રે. એ તો હું ગાઉં છું."
"ગીત કંઈ આવું હોય? મારી જેમ જરા ગાતાં શીખ."
કાગડાને કહે, "અલ્યા, તારો રંગ આવો કેમકોલસા જેવો સાવ કાળો મેંશ!" કાગડો કંઈ જવાબ આપે એટલે પાછો કહે, "બસ, બસ હવે જેવો તારો રંગ એવો તારો કંઠ..કા..કા..કા. ને તું ખાવાનું કેવું એંઠું જૂઠું ખાય છે..? છિ છિ, તારી ચાંચ ગંધાય છે?"
કબૂતરને કહે, "આ તું ઘૂ ઘૂ ઘૂ શું કર્યા કરે છે? ને આ તારી નાની ચાંચ ને નાની આંખ...! કેવી ભદ્દી લાગે છે!"
તો વળી કાબરને કહે, "તું કલબલ કાં કરે? જરા શાંતિથી બેસ. કંઈક વિચારીને ગા, તો સારી લાગે...!"
આમ પોપટ બધાં પંખીઓની ખામી કાઢયા કરે. તે પાછો સૌને મોઢા પર કહી દે એવો નફફટ. કોઈને પોપટની આ કુટેવ ના ગમે. બધાએ એના સામે બોલવાનું ઓછુ કરી નાખ્યું. સૌએ તેની કિટ્ટા કરી નાખી ને ઉપરથી નામ પાડી દીધું કચકચિયો પોપટ.
પછી તો જે ડાળ પર પોપટ બેઠો હોય તે ડાળ પર તો શુંતે ઝાડ પર એકેય પંખી ન બેસે. આ જોઈ પોપટને એમ થાય કે બધાં મારાથી કેવાં ડરે છે! પણ પછી એક કાબરે સાચી વાત કહી દીધી ત્યારે પોપટને દુઃખ તો થયુંપણ એ તો તોય અક્કડ જ રહ્યો. ભલે ને, કોઈ ના બોલે... મારે કેટલા ટકા? હું તો એકલો બસ છું. જંગલમાં સિંહ પણ એકલો જ ઘૂમતો હોય છે ને! એટલે તો એ વનનો રાજા છે ને!
એક દિવસ એવું બન્યું કે પોપટ એક ઝાડ પર બેઠો હતો. ત્યાં તેની સામેની ડાળ પર એક કાગડો આવીને બેઠો. આ જોઈ પોપટને નવાઈ લાગી. આ કાગડો દૂર...દૂરથી આવેલો એટલે તે પોપટની વાતથી અજાણ હતો.
કાગડો કહે, "નમસ્તે પોપટ ભૈ, કેમ મજામાં ને?"
પોપટ મોં મચકોડી આડું જોઈને કહે, "હું તમારા જેવા કાળિયા ને કર્કશ અવાજવાળા સાથે વાત જ નથી કરતો." આ સાંભળી કાગડાને નવાઈ લાગી. તે કહે, "ભલે, તો હું સામેના ઝાડ પર જાઉં છું." આમ કહી કાગડો ત્યાં જઈને બેઠો. ત્યાં એક કબૂતર બેઠેલું હતું. તેણે કાગડાને પોપટની બધી વાત કહી.
એટલામાં એક શિકારી આવ્યો. પોપટને ઝાડ પર બેફિકરાઈથી બેઠેલો જોયો. તેને પોપટનો શિકાર કરવાનું મન થયું. તેણે તત્કાળ ધનુષ પર તીર ચઢાવ્યું. તીર છૂટયું ને તે જ સમયે પોપટનું ધ્યાન ગયું. તે ઊડયો છતાં પૂંછડી પર તીર વાગ્યું ને પોપટ ગડથોલિયું ખાઈ નીચેના ઝાંખરા પર પડયો.
કબૂતરે અને કાગડાએ દૂરથી આ જોયું. કાગડાને પોપટ પર દયા આવી ગઈ. શિકારી પોપટને શોધવા તે ઝાંખરા નજીક પહોંચે તે પહેલાં કાગડો ઊડીને પોપટ નજીક પહોંચી ગયો. પોપટ ઝાંખરા પર દુઃખથી રડતો હતો.
કાગડો કહે, "પોપટ ભૈ, ગભરાશો નહીં. તમે મારો પગ ચાંચથી પકડી લો. હું તમારી ડોક મારી ચાંચમાં પકડી ઊડું છું."
પોપટને થયું કે કાગડાનું ગંદું મોં...ને મારી સુંદર ડોક..! પણ બિચ્ચારો પોપટકરે શું! નાછૂટકે કાગડાએ કહ્યું એમ કરવા લાગ્યો ને શિકારી આવે તે પહેલાં કાગડો પોપટને લઈને ઊડી ગયો. શિકારી આ જોતો જ રહી ગયો.
કાગડો પોપટને એક દૂરના મોટા ઝાડ પર લઈ ગયો. તેની પહોળી ડાળ પર પોપટને સુવડાવ્યો. એ ઝાડ પર ઘણાં પંખીઓ હતાં. સૌ આ કચકચિયા પોપટને ઓળખતાં હતાં. તેની આવી ભૂંડી દશા જોઈ સૌ રાજી થયાં. કાગડાએ પોપટને મદદ કરવા કહ્યુંપણ સૌએ ના પાડી. આ જોઈ કાગડો કહે, "પંખીઓ, સંકટના સમયે આપણા એક બાંધવને મદદ કરવી એ આપણી ફરજ છે."
"પણ આવા અભિમાનીને મદદ ના કરાય." સૌ કહેવા લાગ્યાં.
પોપટે રડતાં રડતાં સૌની માફી માગી.
ને પછી તો સૌ પંખી એને મદદ કરવા તલપાપડ થઈ ગયાં. કોઈ ચાંચમાં પાણી લઈ આવ્યું. કોઈએ તેનો ઘા સાફ કર્યો. હોલો ક્યાંકથી ચીંથરું લઈ આવ્યો. સુગરીએ તેને પાટો બાંધી દીધો. પોપટને રાહત થઈ.
કચકચિયા પોપટને આજે એક નવો બોધપાઠ શીખવા મળ્યો હતો. 
 

No comments:

Post a Comment