Tuesday, September 25, 2012

રાજાને બોધપાઠ

મિથિલા નામે એક નગર હતું. તેમાં એક રાજા રાજ કરતો હતો. તેનું નામ ઇન્દ્રવર્મા હતું. તે બહુ ધનવાન હતો, પરંતુ કંજૂસ અને બહુ લોભી હતો.
રાજા ઇન્દ્રવર્મા લોભી અને કંજૂસ હતો એટલે દાન કરવામાં માનતો જ ન હતો. રાજદરબારમાં જો કોઈ પીડિત વ્યક્તિ આવે તો તેમને પણ દાન કરતો નહીં અને રાજ્યના અત્યંત ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ મદદ કરતો નહીં. રાજ્યમાં જો કોઈને અગવડ પડે તો પણ તે રાજ્યની તિજોરીમાંથી કોઈને એક કાણી પાઈ પણ આપતો નહીં, તેથી ગામના લોકો તેના લોભિયાપણાથી ખૂબ પરેશાન થઈ ગયા હતા.
એક દિવસ રાજા તિજોરીના પૈસાની વાતો કરતો હતો ત્યારે આ વાત એક ચોર સાંભળી ગયો. તેણે અંધારી રાતમાં રાજ્યની તિજોરી લૂંટવાનો નિર્ણય કર્યો. બીજી જ રાત્રે તેણે રાજ્યની તિજોરીમાંથી બધું જ ધન લૂંટી લીધું અને ગામ છોડી બીજા ગામે નાસી ગયો.
થોડા દિવસો પછી રાજાએ તેની તિજોરી ખોલી તો તિજોરી ખાલી નીકળી ! રાજા સ્તબ્ધ થઈ ગયો. હવે દિવસે દિવસે રાજાને પૈસાની ખૂબ જ અગવડ પડવા માંડી. આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. નગરના ભલા લોકોએ રાજા ઇન્દ્રવર્માને મદદ કરવાનું વિચાર્યું. જ્યારે નગરના બધા લોકોએ તેને રૃપિયા અને થોડાં ઘણાં ઘરેણાં આપી મદદ કરી ત્યારે રાજાને ખૂબ જ પસ્તાવો થયો. તેને સબક મળી ગયો. રાજાની તિજોરી ફરીથી છલકાઈ ગઈ. રાજાએ નિર્ણય લીધો કે હવે તે રાજ્યના દરેક નાગરિકની મદદ કરશે અને ક્યારેય લોભ નહીં કરે.
બોધઃ આપણે ક્યારેય અતિ લોભ કરવો જોઈએ નહીં. અતિ લોભ કરવાથી તેનું ફળ પણ ખરાબ જ મળે છે.

No comments:

Post a Comment