Saturday, December 1, 2012

વાઘ અભ્યારણ-કોર્બેટ નેશનલ પાકૅ



જંગલની મજા માણવી હોયજાતજાતનાં પંખીઓનો સાચો કલરવ સાંભળવો હોય અને મુક્તમને વિહરતા ઘાતક વાઘ જોવા હોય તો જીમ કોર્બેટ નેશનલ પાર્ક એકદમ રાઇટ ચોઇસ છે. ઉત્તરાંચલ રાજ્યના નૈનિતાલ અને પૌરી જિલ્લાની હદમાં આવેલો આ દેશનો સૌથી મોટો અને જૂનો નેશનલ પાર્ક છે. શિકારીમાંથી જંગલ સંરક્ષક અને નેચર એક્સપર્ટ બનેલા બ્રિટિશ કર્નલ જીમ કોર્બેટના નામ પરથી આ પાર્કનું નામ 'જીમ કોર્બેેટ નેશનલ પાર્ક' રાખવામાં આવેલું છે. ૫૨૦ સ્ક્વેર કિલોમિટરના વિસ્તારમાં નદીતળાવ, જંગલ, પહાડ અને ઘાસનું મેદાન ફેલાયેલું છે. હિમાલયની ઘાટીના આ નેશનલ પાર્કને કોર્બેટ ટાઇગર રિઝર્વ અને સોનાનંદી વાઇલ્ડ લાઇફ સેન્ક્ચ્યૂઅરી સાથે જોડીએ તો તેનો ફેલાવો ૧૨૮૮ સ્ક્વેર કિલોમિટર થાય છે.
કોર્બેટ નેશનલ પાર્કમાં નેચરની મજા માણવા દેશ અને દુનિયાના અનેક પ્રવાસીઓ આવે છે. દેશમાં શરૂ થયેલા સેવ ટાઇગર ઝુંબેશને લીધે તાજેતરનાં વર્ષોમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. દર વર્ષે લગભગ ૭૦,૦૦૦ જેટલા પ્રવાસીઓ તેની મુલાકાત લે છે. ૭૦ ટકા વિસ્તારમાં જંગલ પથરાયેલું છે અને બાકીનો ભાગ નદીપહાડીઓ તેમજ ઘાસનું મેદાન રોકે છે. અહીં ૪૮૮ પ્રકારના વિવિધ પ્લાન્ટ્સ જોવા મળે છે. એશિયાટિક એલિફ્ન્ટ અને ટાઇગર અહીંની ખાસિયત છે. ૫૦ પ્રકારનાં સસ્તનધારી પ્રાણીઓ, ૫૮૦ પ્રકારનાં પંખીઓની જાતો, ૧૧૦ પ્રકારનાં વૃક્ષો આ પાર્કની શોભા છે. પ્રશાસન તરફથી જંગલ સફારીની સગવડો પણ ઊભી કરવામાં આવી છે. ૨૦૧૧માં પોતાની સ્થાપનાના ૭૫ વર્ષની ઉજવણી કરનાર આ પાર્ક ઇકો ટૂરિઝમ માટે શ્રેષ્ઠ સ્થળ છે

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ : ડો. રાજેન્દ્ર પ્રસાદ



૩જી ડિસેમ્બરે આઝાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ અને આઝાદીની ચળવળના અગ્રિમ હરોળના નેતા ડો. રાજેન્દ્ર પ્રસાદની ૧૨૮મી જન્મજયંતી છે. ડો. રાજેન્દ્ર પ્રસાદ બે વખત ભારતના રાષ્ટ્રપતિ પદે બિરાજ્યા હતા. રાષ્ટ્રપતિ તરીકે બે વખત રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશનારા તેઓ એકમાત્ર વ્યક્તિ છે. ડો. રાજેન્દ્ર પ્રસાદ પછી આજ સુધી કોઈ પણ રાષ્ટ્રપતિને બે વખત આવો મોકો નથી મળ્યો.
* રાજેન્દ્ર પ્રસાદનો જન્મ ચંપારણ જિલ્લાના જિરાદેઈ ગામમાં મહાદેવ સહાય અને કમલેશ્વરી દેવીને ત્યાં થયો હતો. તેમના પિતા સંસ્કૃત અને ફારસી ભાષાના વિદ્વાન હતા અને રાજેન્દ્રમાં સ્વાભાવિક રીતે જ તેમની વિદ્વત્તા ઊતરી હતી.
* તેઓ માત્ર ૧૨ વર્ષના હતા ત્યારે તેમનાં લગ્ન રાજવંશીદેવી સાથે થયાં હતાં. તેમણે તેમના મોટા ભાઈ મહેન્દ્રપ્રસાદ સાથે પ્રારંભિક શિક્ષણ પટણાની આર. કે. ઘોષ એકેડેમીમાં મેળવ્યું હતું.
* ગાંધીજીની કાર્યશૈલીથી પ્રભાવિત થઈને તેઓએ આઝાદીની લડતમાં ઝંપલાવ્યું હતું. જ્યારે રાષ્ટ્રપતિ પદ માટે ચર્ચા ચાલતી હતી ત્યારે ગાંધીજીએ જ રાજેન્દ્ર પ્રસાદના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને બીજા બધા કોંગ્રેસી સભ્યોએ સ્વીકારી લીધો હતો.
* ૧૯૪૨ના વર્ષમાં જ્યારે તેમને જેલ જવાનું થયું ત્યારે તેમણે એ ૩ વર્ષમાં 'ઇન્ડિયા ડિવાઇડેડ' પુસ્તક લખ્યું હતું, જેની પછીથી ખૂબ જ નોંધ લેવાઈ હતી.
* પ્રથમ વખતની લોકપ્રિયતા પછી તેઓ બીજી ટર્મ માટે પણ રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓએ રાષ્ટ્રપતિ ભવનમાં ૧૨ વર્ષ૩ મહિના અને ૧૮ દિવસ વિતાવ્યા હતા. આટલો વખત રાષ્ટ્રપતિ ભવનમાં ગાળનારા તેઓ પ્રથમ અને એકમાત્ર રાષ્ટ્રપતિ હતા.
* દેશના રાષ્ટ્રપતિને તે સમયે ૧૦ હજાર રૂપિયાનો પગાર મળતો હતોજેમાંથી તેઓ માત્ર એક હજાર રૂપિયા સ્વીકારતા હતા. દેશનો એક રૂપિયો પણ ખોટી રીતે ખર્ચ થવો ન જોઈએ એવો મત તેઓ ધરાવતા હતા.
* આઝાદીની લડત વખતે અલગ અલગ સમયે તેઓ ૧૬ વર્ષ માટે જેલમાં રહ્યા હતા. એ દરમિયાન તેઓ લેખન પ્રવૃત્તિ તરફ વળ્યા હતા. આજના નેતાઓથી તદ્દન ભિન્ન એવી સરળ ગાંધીવાદી જીવનશૈલી અપનાવનારા ડો. રાજેન્દ્ર પ્રસાદનું નિધન ૨૮ ફેબ્રુઆરી૧૯૬૩ના રોજ થયું હતું. 

Thursday, November 29, 2012

બાળગીત......

કેરી એકા કેરી.
કેરી દુ દાડમ.
કેરી તરી તરબૂચ.
કેરી ચોક ચીકું.
કેરી પંચા પપૈયું.
કેરી છક સ્ટ્રોબેરી.
કેરી સત્તા સીતાફળ.
કેરી અઠ્ઠા અનાનસ.
કેરી નવા નાસપાતી.
કેરી દાન કેળું.

માતા......

માતા એટલે.........
વાત્સલ્યની વીરડી, મમતાની મૂતિઁ, પ્રેરણાની પરબ, 
અવનિનું અમૃત, સૃષ્ટિની સંજીવની, પ્રેમની પ્રતિમા, 
સ્નેહની સરિતા, સંસ્કારની સિંચક, 
થાકેલાનો વિસામો, શાંતિનું તીથઁ.

રોમે રોમે હેત ભર્યુ, જેના વેણે વેણે વરદાન,
ઘેર ઘેર એ જ બિરાજે, મા રૂપે ભગવાન....

Friday, November 9, 2012

ઉંદરડી પર આફત

જૂના જમાનામાં વારાણસીમાં રાજા બ્રહ્મદત્ત રાજ્ય કરતો હતો. એ વેળા બોધિસત્વે સલાટોના કુળમાં જન્મ લીધો હતો. સલાટ એટલે શિલા કાપનાર અથવા પથ્થર કાપનાર. બોધિસત્વ મોટા થઈને શિલા કાપનાર જ નહિ, સારા મૂર્તિકાર પણ બન્યા. હવે, વારાણસીના એક કસ્બામાં એક ખૂબ ધનવાન શેઠ રહેતો હતો. એની હવેલીમાં દાટેલો ખજાનો જ ચાળીસ કરોડ સોનામહોરનો હતો. પણ એ પરિવાર પર એકાએક આફત ઊતરી. પરિવારનાં સૌ મરણ પામ્યાં. બીજાં બધાંનો તો દૂર દૂર જન્મ થયો, પણ શેઠાણીનો જીવ ખજાનામાં ચોંટી રહ્યો. એ પછી તો આ કસ્બો જ નાશ પામ્યો અને એની ઉપર ધૂળ ફરી વળી. પણ શેઠાણીનો જીવ અહીં ભટકતો રહ્યો. આખરે એ એક ઉંદરડી તરીકે જન્મી. એણે તો અહીં ઊંડાં દર કર્યાં. પોતાનો ચાળીસ કરોડોનો ખજાનો હતો ત્યાં દર કરીને રહેવા લાગી. ખજાનો સાચવવાની એને ભારે લગની હતી. આથી એ ખાવાનું શોધવા પણ દૂર જતી નહિ. આથી એ દૂબળી રહેતી. એટલામાં બોધિસત્વ એ ગામે આવ્યા. એટલે જોયું કે આ ગામ પાસે તો સરસ આરસ પથ્થરોની ખાણ છે. આથી એમણે આરસની શિલાઓ કોતરી કાઢવા માંડી. કોતરીને એક બાજુ મૂકે. એમાંથી મૂર્તિ કોરી કાઢે.
એવી વેળા ઉંદરડી ઘણી વાર ખાવાનું શોધવા આવે. જતાં-આવતાં એ બોધિસત્વને જુએ. એમની મહેનત જુએ. રાજી થાય કે અહો ! કેવો મહેનતુ જીવ છે. મારા શેઠ પણ આવા જ મહેનતુ હતા. એટલે જ કરોડોનો ખજાનો જમા કરેલો ને ! આમ, સારા વિચાર કરતાં ઉંદરડીને બોધિસત્વ માટે હેત થઈ આવ્યું. એ વિચારવા લાગી : ‘અરે મારો કરોડોનો ખજાનો બેકાર પડ્યો છે. હું એ વાપરી શકતી નથી, કારણ કે વાપરવા માટે દૂર જાઉં અને અહીં કોઈ ચોર ત્રાટકે તો ! પરંતુ આ મહેનતુ જીવને સાધું તો એનુંય કામ થાય અને મારું પણ કામ થાય.’ આવો વિચાર કરીને ઉંદરડીએ ખજાનામાંથી એક સિક્કો ઉઠાવ્યો. એ લઈ જઈને પથ્થર કાપી રહેલા બોધિસત્વના ચરણોમાં મૂક્યો. બોધિસત્વ નવાઈ પામી ગયા. એમણે પૂછ્યું :
‘ઉંદરમા ! આ શું ? આ સિક્કો કેમ લાવ્યાં ?’
ઉંદરડી કહ્યું : ‘આ સિક્કો લો અને બજારે જાવ. ખાવાનું લઈ આવો. થોડુંક મને આપો અને બાકીનું તમે ખાવ. આથી તમારે બહુ મહેનત-મજૂરી કરવી નહિ પડે.’

બોધિસત્વે ઘડીક વિચાર કર્યો. પણ પછી પેલો સિક્કો ઉઠાવી લીધો. કહ્યું કે ભલે મા ! હમણાં જ તમારે માટે ખાવાનું લઈ આવું છું. એ જલદીથી નજીકને ગામ ગયા. કંદોઈની દુકાનેથી ખાવાનું લઈ આવ્યા. ઉંદરડીને જોઈએ તેટલું ખાવાનું આપ્યું. પોતે જમ્યા. વધેલું ખાવાનું સાંજ માટે એક પોટલીમાં બાંધ્યું. પછી એ કામે વળગ્યા અને શેઠાણી ઉંદરડી આરામ કરવા ગઈ. એ પછી તો આ હંમેશનો નિયમ થઈ ગયો. ઉંદરડી શેઠાણી ખજાનામાંથી એક સિક્કો લઈ આવે. સલાટને આપે. સલાટ જલદી જલદી ખાવાનું લઈ આવે. આમ ઉંદરડીને ખાવાનું શોધવાની ચિંતા ન રહી. એથી ધીરે ધીરે એની તબિયત સારી થવા લાગી. હવે એ દરરોજ સલાટ સામે બેસતી. એનું કામ જોતી. અલકમલકની વાતો કરતી. બંને વચ્ચે પાક્કી દોસ્તી થઈ ગઈ. પણ વળી એક દહાડો એક નવી આફત આવી. એક રાતે ઉંદરડીને એક બિલાડાએ પકડી. ઉંદરડીએ હાથ જોડ્યા. વિનંતી કરી,
‘મહેરબાન, મને મારી ખાશો નહિ.’
બિલાડો કહે : ‘કેમ ન ખાઉં ? મને ભૂખ લાગી છે અને તું મારો ખોરાક છે. તને ન ખાઉં તો મારી ભૂખ કેમ મટે ?’
ઉંદરડી કહે : ‘સ્વામી ! મને ખાવાથી તમારું પેટ આજે ભરાશે. પણ કાલે તો ખાલી થઈ જશે ને !’
બિલાડો કહે : ‘હાસ્તો ! એક વારનું ખાધેલું કાંઈ કાયમ થોડું જ રહે છે !’
ઉંદરડી કહે : ‘ત્યારે તમને કાયમ ખાવાનું મળે એવી જોગવાઈ કરી આપું તો ?’
બિલાડાને નવાઈ લાગી : ‘અબે, મૂઠી એકની ઉંદરડી ! તું વળી મને કાયમ ખાવાનું મળે એવી જોગવાઈ ક્યાંથી કરવાની ?’
ઉંદરડી કહે : ‘એની ચિંતા તમે ન કરો. બિલાડા મહારાજ ! કાલથી તમને પેટપૂર ખાવાનું મળશે, બસ ?’
બિલાડો કહે : ‘ઠીક છે. તું કહે છે તો કબૂલ કરું છું. પણ યાદ રાખજે- જો કદી મને ખાવાનું ન મળ્યું કે ઓછું મળ્યું તો તને ખાઈ જઈશ ! હું તારી સામે ને સામે રહીશ.’ આવું નક્કી થયું એટલે ઉંદરડીએ પોતાના ખાવાનામાંથી બે ભાગ કરવા માંડ્યા. સલાટ એને માટે જે લાવે એમાંથી ઘણું ખાવાનું એ બિલાડાને માટે રાખતી. પોતે થોડુંક જ ખાતી. રાતની વેળા બિલાડો આવતો અને પોતાનો ભાગ ખાઈ જતો.


પંખી

પંખી બનીને મને ઊડવું ગમે, ભાઈ ઊડવું ગમે
દોસ્તોની સાથે ઝૂમવું ગમે, ભાઈ મને ઝૂમવું ગમે
ઝાડોના ઝૂંડ મહી માળો બાંધીને
ડુંગરની ગોદમાં રમવું ગમે, મને ઊડવું ગમે.
અદ્ધર આકાશે જઈ ચાંદામામાની ગાડી કરી
તારલીયાની સાથે રમવું ગમે, મને ઊડવું ગમે.
ધરતીની છોડ મુકી સમંદર પાર કરી
હોડીના ઝૂલામાં ઝૂલવું ગમે, મને ઊડવું ગમે
પંખીની એક શીખ મનમાં લઈને
પંખીની સાથે સંપીને રહેવું ગમે, મને ઊડવું ગમે.

ચકીબેન

એક હતી ચકલી, ઓઢી ચાલી છત્રી
ભરવા ગઈ પાણી, પૂર લાવી તાણી
ચકીબેન ફેશનવાળા, ગળામાંતો બાંધે માળા
એણે પહેરી સાડી, મોરપીંછા વાળી
એણે પહેર્યા સેંડલ, નાખી પર્સ પેંડલ
મોટરમાં તો ફરવા ગઈ, ચપટી દાણા ચણવા ગઈ
દાણા લાવી પાલી, બધાને લાગે વ્હાલી
કેવા ચકીબેન સારા, સૌને લાગે પ્યારા