પ્રાચીન સંસ્કૃતિઓમાં સૂર્યને દેવ તરીકે પૂજવામાં આવતા. વિશ્વભરમાં કોઈને કોઈ રૃપે સૂર્યની આરાધના માટે મંદિરો બંધાયા છે. ભારતમાં પણ લગભગ ૧૨ જેટલાં સ્થળોએ આવેલાં સૂર્યમંદિરો વિશ્વભરમાં જાણીતા બને તેવાં કલાત્મક અને ભવ્ય છે.
ગુજરાતમાં બેચરાજી નજીક મોઢેરા ગામે આવેલું પ્રાચીન સૂર્યમંદિર ઈ.સ. ૧૦૨૬માં સોલંકીવંશના રાજા ભીમદેવે બંધાવેલું. મોગલોના આક્રમણમાં તોડી પાડવામાં આવેલું છતાંય આજે જોવા મળતાં તેના ખંડેરો તેની ભવ્યતાની સાક્ષી પૂરે છે. દિવસ અને રાત એક સરખા હોય ત્યારે ૨૦મી માર્ચ અને ૨૧ મી સપ્ટેમ્બરે સૂર્યનું પહેલું કિરણ અને સૂર્યાસ્તનું છેલ્લું કિરણ મંદિરના ગર્ભગૃહમાં રાખેલી સૂર્યની મૂર્તિ પર પડે તેવી આ મંદિરની રચના છે.
મુખ્ય મંદિરના સભામંડપમાં કલાત્મક કોતરણીવાળા સ્તંભ છે. છતમાં પણ સુંદર કોતરણી જોવા મળે છે. મુખ્ય મંદિરમાં સૂર્યનારાયણનો રથ છે. સાત ઘોડા, સૂર્ય નારાયણ અને સારથિની મૂર્તિઓ સોનાની બનેલી હતી. ગર્ભગૃહ સૂર્યમુખીના આકારમાં છે. દીવાલો પર ૧૨ ગોળમાં સૂર્યના ૧૨ રૃપોની મૂર્તિઓ છે.
મુખ્ય મંદિરની સામે ૫૩ મીટર લાંબો અને ૩૬ મીટર પહોળો કૂંડ છે. તેને સૂર્યકૂંડ કહે છે. કૂંડમાં ફરતે ચોરસ પગથિયાં છે. પગથિયાંની રચનામાં ભૂમિતિનો અજબ ઉપયોગ કર્યો છે. પગથિયાની વચ્ચે ૧૦૮ ઝરા કોતરેલા છે. પિરામિડ આકારે ઉતરતા પગથિયા પર હિંદુ દેવદેવતાની મૂર્તિઓ કોતરેલી છે.
એક હજાર વર્ષ પહેલાં પથ્થરમાંથી બાંધેલું આ સૂર્યમંદિર મોગલોએ તોડી પાડેલું છતાંય તેના ખંડેરો જોવા લાયક છે. વિશાળ સૂર્યકૂંડ અકબંધ જળવાઈ રહ્યો છે.