નાનું સરખું રામપુર નામે એક ગામ. એમાં એક શેઠ રહે. ગામમાં એમની એક જ દુકાન. આગળના ભાગમાં દુકાન ને પાછળ મકાન. શેઠનો દીકરો શહેરમાં રહી વેપાર કરે. ઘરે શેઠ અને શેઠાણી આનંદથી રહે.
ગામમાં શેઠની શાખ સારી. ગામલોકો શેઠને માન દઈને બોલાવે. શેઠ પણ સ્વભાળે દયાળુ. માપનો નફો રાખી વેપાર કરે. ગરીબ-ગુરબાંને ઉધાર પણ આપે. ક્યારેક વાર-તહેવાર ગરીબોને મફત નાસ્તો પણ વહેંચે. નિશાળમાં જઈ છોકરાંઓને ચવાણું ને ચોકલેટ પણ વહેંચે. શહેરમાં દીકરાનો વેપાર સારો ચાલતો હતો તેથી શેઠ સંતોષ રાખી જીવતા હતા. શેઠ જેવા દયાળુ એવા ચતુર પણ ખરા. ગામમાં ક્યાંક ઝઘડો થાય તો તેના સમાધાન માટે લોકો શેઠને બોલાવતા. શેઠ બંને પક્ષને સાંભળે ને પછી બંનેને સંતોષ થાય એવો ઉકેલ સૂચવે. એ જોઈ બેઉ પક્ષ રાજી થાય. તેઓ શેઠનો આભાર માની રસ્તે પડે.
ઉનાળાની ઋતુ હતી. તાપ કહે મારું કામ. લોકો ગરમીથી બચવા ઘરની બહાર ચોકમાં ખાટલા ઢાળી ઊંઘી જતા. શેઠની દુકાન અને ઘર વચ્ચે ખુલ્લો ચોક હતો. શેઠ ને શેઠાણી ત્યાં પલંગ પાથરીને ઊંઘતાં
એક રાતની વાત. શેઠ-શેઠાણી ઊંઘી ગયાં હતાં. મધરાત પછીનો સમય થયો હતો. અચાનક બંધ દુકાનમાંથી અવાજ આવ્યો, શેઠ-શેઠાણી જાગી ગયાં. શેઠાણી બોલવા જતાં હતાં પણ શેઠે નાક પર આંગળી મૂકી ચૂપ રહેવા જણાવ્યું. એમને લાગ્યું કે દુકાનમાં કોઈ ઘૂસ્યું લાગે છે. જો બિલાડી હોત તો ક્યારની દોડી ગઈ હોત. ચોર ઘૂસ્યો હોય એવું બંનેને લાગ્યું.
શેઠની દુકાનમાં આ પહેલાં કદી ચોરી થઈ ન હતી. શેઠને પ્રશ્ન થયોઃ ચોર ગામનો હશે કે બહારગામનો? એક હશે કે વધારે? શેઠને થયું કે ચોરને પકડું તો જ હું ખરો ચતુર.
''શેઠે મોટેથી શેઠાણીને બૂમ પાડી જેથી ચોર પણ સાંભળે. કહું છું મેં તમને પેલી પૈસાની થેલી આપી હતી તે માટલીમાં જ મૂકી છે ને?''
શેઠાણી કહે, ''હા, ભૈસાબ, પણ અટાણે રાતે એનું શું છે?'' શેઠ બોલ્યા, ''ને એ માટલી માળિયામાં જ ઘરમાં સંતાડી છે ને?'' શેઠાણી કહે, ''હા, ભૈ હા સલામત જ છે. ઊંઘી જાવ કોઈ ચોર ચોરી નહીં જાય?''
શેઠાણી પણ શેઠની સાથે રહી ચતુર થઈ ગયાં હતાં. શેઠ શો ઉપાય કરવા માંગતા હતા તે સમજાતું ન હતું. શેઠ બોલ્યા, ''હાશ, હવે નિરાંત થઈ. મને એમ કે એ કોથળી હું દુકાનમાં તો મૂકીને આવ્યો નથીને? ક્યાંય ઉંદરડા કાપી ન ખાય.
શેઠાણી કહે, ''હવે ઊંઘો નિરાંતે તે મનેય ઊંઘવા દો'' ને પછી બંને ઊંઘવાનો ઢોંગ કરી પડી રહ્યાં. શેઠ નસકોરાંય બોલાવવા માંડયા. શેઠ-શેઠાણીનો આ સંવાદ દુકાનમાં સંતાયેલા ચોરે પણ સાંભળ્યો. તેને થયું કે દુકાનમાં નાનીમોટી ચીજ લેવી એના કરતાં ઘરમાં જઉં તો દલ્લો મળી જશે.
આમ વિચારી ચોર થોડી વાર દુકાનમાં ચૂપ બેસી રહ્યો ને પછી બિલ્લીપગે બહાર નીકળ્યો. ભીંતે લપાતો લપાતો ઘર બાજુ ગયો. ઘરને તાળું માર્યું ન હતું એટલે હળવેથી સાંકળ ખોલી અંદર ઘૂસ્યો અંદર જઈ બારણું બંધ કર્યું પછી તે માળિયામાં ચડયો.
આ બાજુ શેઠ પણ ચૂપચાપ ઊભા થયા. બારણા નજીક ગયા ને બહારથી બારણાની સાંકળ ચડાવી દીધી. અવાજ સાંભળી ચોર ભડક્યો તેને થયું કે શેઠે તેને ફસાવ્યો, તે માળિયામાં જ બેસી રહ્યો.
શેઠ કહે, ''શેઠાણી, જાગો છો કે ઊંઘો છો?''
શેઠાણી હડપ દઈ બેઠાં થઈ કહે, ''ક્યારની જાગું છું પણ હવે જાગવાની જરૂર નથી. નિસંતે ઊંઘી જાવ. સવારે વાત.''
શેઠ હસીને કહે, ''પણ ઘરમાં બિલાડો ઘૂસ્યો છે એનું શું?'' શેઠાણી કહે, ''ભલેને ઘૂસ્યો એ કાંઈ દૂધ-ઘી નહીં ચાટી જાય. સવારે બહુ ભૂખ્યો થશે એટલે બરાબરનો મેથીપાક જમાડીશું''
ચોરે આ સંવાદ સાંભળ્યો ને એ ભડક્યો. એને થયું કે આજ એ બરાબરનો ફસાયો હતો. સવારે શેઠ પોલીસને બોલાવશે ને પછી પોલીસ એને બરાબરનો મેથીપાક જમાડશે એના કરતાં લાવ, અત્યારે જ શેઠની માફી માગી લઉં. એમને સાચી હકીકત કહી દઉં...ળ ચોર નીચે ઊતર્યો. તે બારણા પાસેની બારી નજીક આવ્યો. શેઠ હજી બારણા પાસે જ ઊભા હતા તે હાથ જોડી કરગરવા લાગ્યો. ''શેઠ બાપા, વખાનો માર્યો ચોરી કરવા નીકળ્યો છું. મારો આટલો ગુનો માફ કરી દો.''
શેઠે પૂછયું, ''કયા ગામનો છે? તારું નામ શું?''
ચોર બોલ્યો, ''બાજુના સીતાપર ગામનો છું મારું નામ લખાજી.'' શેઠે પૂછયું, ''ચોરી કરવી પાપ છે? કાલ તારી ખબર છે.''
ચોર કરગરતાં બોલ્યો, ''બાપા,આજ પહેલી વાર ચોરી કરવા નીકળ્યો છું ને પકડાઈ ગયો. ઘરમાં ચાર છોકરાં છે. ઉનાળાના કોરા દા'ડા ચાલે છે એટલે મજૂરી મળતી નથી. એટલે નાછૂટકે બાપા...''
શેઠ બોલ્યા, ''સાચું બોલે છે? કે પછી...''
ચોર ગળા પર હાથ મૂકી બોલ્યો, ''શેઠ બાપા, મારા દીકરાના સોગન, જો ખોટું બોલતો હોઉં તો...'' એટલામાં શેઠાણી પણ નજીક આવ્યાં. શેઠ બોલ્યા, ''શેઠાણી આ બિલાડાનું શું કરશું?''
શેઠાણી બોલ્યાં, ''મારી વાત માનો તો બિચારાને છોડી દો.''
શેઠ કહે, ''ના, આજ એને નહીં છોડું. ઘણાં દા'ડે લાગમાં આવ્યો છે.'' આ સાંભળી ચોર વધારે ગભરાયો તે રડવા લાગ્યો એટલે શેઠ કહે, ''તું રડીશ એટલે છોડી દઈશ એવું ના માનતો. જો ભાઈ લખાજી, સાંભળ કાલથી તારે મારી દુકાનમાં કામ કરવા આવી જવાનું. તને હું નોકરી પર રાખી લઉં છું બોલ, હવે તો ખુશને?''
લખાજી નવાઈ પામી શેઠ સામે તાકી રહ્યો, ''શેઠ બાપા, આ તમે સાચું કો છો કે પછી...''
શેઠ કહે, ''લખાજી, આ શેઠાણીના સોગન, બસ? ને હસી પડયા. શેઠાણી કહે, ''ભૈ, આ શેઠ કદી મશ્કરીમાંય જૂઠું બોલતા નથી. આજ તારાં ભાગ્ય ઊઘડી ગયાં ભૈ!''
શેઠ કહે, ''હવે ઝટ એને બા'ર કાઢો શેઠાણી" શેઠાણીએ બારણું ઉઘાડયું ''ને સાંભળો, ઘરમાંથી થોડા દાળ-ચોખા આપો જેથી એનાં ભૂખ્યાં છોકરાં સવારમાં પેટ ભરીને જમે.'' ને લખાજી શેઠ-શેઠાણીના પગમાં પડી ગયો. ''શેઠ બાપા, તમારો ઉપકાર જીવનભર નૈં ભૂલું...''